રાજયમાં આગામી બે દિવસ ગરમીથી શેકાવું પડશે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છમાં ગરમીનું યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે તો આગામી દિવસોમાં 2-3 ડિગ્રી તાપમાન વધશે. હાલતમાં ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફુંકાઈ રહ્યા છે જેના કારણે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે,ગુજરાતમાં ઠંડી ધીરે ધીરે વિદાય લઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.
ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં તબક્કાવાર વધારો શરૂ થયો છે. અમદાવાદ સહિત 10 શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તો રાજકોટમાં સૌથી વધુ 37.5 ડિગ્રી, સુરતમાં 37 જ્યારે ભુજમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 35.7, વડોદરા અને દમણમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 2 દિવસમાં અમદાવાદનું તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરાઈ છે.